સુખને તું સુખ કહે એમાં શું ?
દુઃખના છેડાને સ્હેજ ખેંચે, ‘ને ચોમાસું બેસે તો કૈક થયું જાણું !
ઝાડને મળે છે એનાં પાંદડાઓ
એજ રીતે આપણને મળ્યું હોય ટળવળવું
લખીએ નિબંધ : જાત ઝુરાપો
કવિતામાં કહીએ તો જીવનો સૂકાવો ‘ને બળવું
એટલે કે સો ટચનું સંવેદન રૂપકડા જિલેટીન પેપરમાં વીંટી ઉછાળું
દુઃખના છેડાને સ્હેજ ખેંચે, ‘ને ચોમાસું બેસે તો કૈક થયું જાણું !
વેંત-વાંભ રહી જાતી ઊંચાઈ આંબવાની
નિસરણી શોધવાની કઈ રીત સાચી ?
દોડીને થઈ જાવું રેલો, કે
ઘરમાં બેસીને રોજ છાપામાં વાંચવાની રાશિ ?
જાવા દે, તારી સાથે નહિ બને: એમ કંઇ નાળબંધ પર્શ્નોનું ઉઘડશે તાળું ?
દુઃખના છેડાને સ્હેજ ખેંચે, ‘ને ચોમાસું બેસે તો કૈક થયું જાણું !
- સંજુ વાળા
No comments:
Post a Comment