ફના થઈ જાવ પછી ફોરમનું કારણ ન પૂછ
પ્રેમ માં જે દર્દ મળ્યું છે એનું હવે મારણ ન પૂછ
હું ફેલાય રહ્યો તારી હર સૂ હવાઓમાં હર તરફ
હવે પૃથક્ કરી મારી હયાતીનું તારણ ન પૂછ
યુગો પછીની અમૂલ્ય ઉપલબ્ધિ છે આ ખાલીપો મારો
ન સમજાય તને ગણિત તો આ શૂન્યનું ભારણ ન પૂછ
વહાલાની વાંસળીના વિખરાતા સૂરોમાં ઓગળે રાધા
ઓગળી ગયા પછી જાતને સમેટવાનું નિવારણ ન પૂછ
આ જાગરણની જમીનમાં થઇ ગયું ફના એક બીજ
કૂંપળો ફૂટ્યા પછી ક્યાં ગયું એનું આવરણ ન પૂછ
સમજણનો વિસ્તાર વટાવે હદ અહંકારની જ્યારે
અંધારાને"પરમ"પ્રકાશમાં પિગળવાનું કારણ ન પૂછ
ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)
No comments:
Post a Comment