Sunday, 3 June 2018

ગઝલ

કોણ વરસાદનું કદ જુએ છે ?  કોણ   છાંટાના  નિરખે  ઠઠારા ?
કોણ જુએ છે રેલાની દાનત ? કોણ  જાણે  છે  ઝીણા  મૂંઝારા ?

આ તે ચોમાસું છે કે જુલમ છે ? અમને વાગે છે ઘોંઘાટ વસમો ,
પડતો  વરસાદ દાંડીની  પેઠે : થઇ જતા  સર્વ માણસ નગારાં !

એક   વરસાદના   અર્થ   થાતાં  છાપરે   છાપરે  સાવ  નોખા,
ક્યાંક  કહેવાય  એને  અડપલાં  ક્યાંક કહેવાય  એને   તિખારા .

હોત  એવી  ખબર કે  છે  આ  તો  માત્ર છાંટા, નથી કોઈ નાણું,
તો  તો  વરસાદથી આવી રીતે વ્યર્થ ભરીએ શું  કરવા પટારા ?

આવે  છાંટા  બુકાનીઓ  બાંધી, આવે  વાછંટ   તલવાર  લઈને
છે  કયો  દલ્લો  મારી  કને  કે  ધાડ  પાડ્યા  કરે  છે  લૂંટારા ?

મારી  રોકડ  મૂડીમાં તો  કેવળ એક 'ર' છે, ને 'મેં' છે, ને 'શ' છે,
બાકી  વરસાદના  નામે  લખીએ આમ  હૂંડી, ને  કરીએ ગુજારા


- રમેશ પારેખ

No comments:

Post a Comment