Monday, 15 October 2018

ગઝલ

તણખલા શબ્દનાં તૂટી ગયા શું?
ને પરપોટા બધા ફૂટી ગયા શું?

હવે માથે કોઈ મીંડું ન મળતું,
અનુસ્વરો બધા ખૂટી ગયા શું?

અરે આ સૂર્યનું તૂટેલ પૈંડું,
અને અશ્વો બધા છૂટી ગયા શું?

ચહેરા કોઇ દર્પણમાં ન ફરકે,
પ્રતિબિંબો બધાં ફૂટી ગયા શું?

હૃદય વેરાન ઉજ્જડ પાટનગરી,
કે ઈચ્છાના દળો લૂંટી ગયા શું?

રદીફ આધાર શોધે શૂન્યતામાં
ખરે ખર કાફિયા ખૂટી ગયા શું?

ગઝલ ટાપૂનું આ એકાંત આદિલ,
બધાયે સેતુઓ તૂટી ગયા શું?

-  *આદિલ મન્સુરી*

No comments:

Post a Comment