Tuesday, 16 October 2018

ગીત

નામ મારું ‘એકલી’ પાડ્યું છે ફોઈએ
તે દી’થી ‘કેમ છે?’ પૂછ્યું ના કોઈએ…

નથી પંખી કે ઝાડ મારાં-
આંગણામાં કોઈ નથી ગાતું,
ચાંદા સૂરજ વિના જગ આખું
પરબારું આવતું ને જાતું.

હું ને મારો પડછાયો : બે જ અમે હોઈએ
નામ મારું ‘એકલી’ પાડ્યું છે ફોઈએ…

આવવાનું કહીને ગ્યા
વાયરા એ લૂ થૈ વાતા,
આંખોમાં ગુલમૉર ? ના, રે…
એ તો ઊઘડ્યા ઉજાગરા રાતા

કાળમીંઢ ડૂમો ને હું : ક્યાં જૈને રોઈએ ?
અમથું પણ ‘કેમ છે?’ પૂછ્યું ના કોઈએ…

*મણિલાલ હ. પટેલ

No comments:

Post a Comment