Monday, 15 October 2018

ગઝલ

પ્રથમ આંખોને સપના બતલાવે છે તું,
ને હાથમાં રેખા દોરી તફડાવે છે તું.

મન સામે સુખનું ગાજર લટકાવે છે તું,
ને દુ:ખની સોટી મારી દોડાવે છે તું.

પહેલા બ્હાર ભિક્ષુકને તતડાવે છે તું,
બાદ મંદિરમાં ઈશ્વરને અભડાવે છે તું.

હું આદી છું પુરુષાર્થનો પહેલેથી,
જોઈએ ભાગ્ય, ક્યાં સુધી ફાવે છે તું.

હો હિંમત તો નીચે આવીને મળ, ઈશ્વર,
ઉપર બોલાવીને શું ખખડાવે છે તું?,

વાયરા, તારો સ્વભાવ ય સાવ માણસ જેવો,
દીવાને ઠારે, દવને ભડકાવે છે તું.

ઓ કર્મ, તું જ છે એનો પાક્કો બાતમીદાર,
ઇશની કોર્ટે રંગેહાથ ઝડપાવે છે તું.

પ્રેમ બાદ શાદી, એ ભારે ગોઠવણ છે તારી,
તોફાન બાદ આંધીમાં જ સપડાવે છે તું.

ડો. હિતેશ પટેલ ‘હિત’

No comments:

Post a Comment