*કાળની કાંટા-ડાળીએ* *લાગ્યાં*
*ક્ષણનાં ચણીબોર*.
*બોરમાં તે શું ? બોલતા જ્ઞાની*,
*આંખો મીંચી બેસતા ધ્યાની*,
*તોરીલા પણ કોઈ તોફાની*
*ડાળને વાળી*, *ડંખને ગાળી*
*ઝુકાવે ઝકઝોર*.
*પીળચટાં ને તૂરમતૂરાં*,
*કોઈ ચાખી લે ખટમધુરાં*,
*લાલ ટબા તો પારેખે પૂરા*,
*વીણી વીણી આપતાં હોંશે*
*ચખણી ચારેકોર*.
*જ્ઞાની ચાલ્યા ખોબલે ખાલી*,
*ધ્યાની ઊઠ્યા નીંદમાં મ્હાલી*,
*અહીં અમારે ધરતી લાલી*
*ક્ષણ પછી ક્ષણ ખરતી આવે*
*ખેલતાં આઠે પ્હોર*.
*કાળની કાંટા-ડાળીએ* *લાગ્યાં*
*ક્ષણનાં ચણીબોર*.
– *સાંઈ મકરંદ દવે*
No comments:
Post a Comment