Saturday, 4 April 2020

૨, ગઝલ

'મહેકે ગઝલ'  (ગઝલ)

આંખ તારી જોઉં ને છલકે ગઝલ!
જામ આંખોના પીને બહેકે ગઝલ!

મારી માફક, તું ગમે છે એને પણ!
તારી પાસે આવીને અટકે ગઝલ!

આ ગઝલ તારા વિના ક્યાં સંભવે?
સ્પર્શથી તારા, જરા ચમકે ગઝલ!

એમ એનામાં થયો છું ઓતપ્રોત!
શ્વાસમાં મારા હવે ધબકે ગઝલ!

વાત તારી એમાં છે ને એથી તો
જાણે તારી ખૂશ્બુથી મહેકે ગઝલ!

લાગણીના ભાવ જો થોડા વણું,
ભાવકોના દિલને ત્યાં અડકે ગઝલ!

- હેમંત મદ્રાસી

'જોઉં છું' (ગઝલ)

જિંદગીમાં ઘણી વેળા ઘણું હું ખોઉં છું!
તે છતાં જોઈ લે તું, ક્યાં હું જરા રોઉં છું!

હું હવે પહોંચી ગયો છું એ પડાવે, દોસ્તો!
સાવ અલગાવથી ઘટનાને બધી જોઉં છું!

કેટલાં વર્ષો ભલે થઈ ગયાં છે અળગાં થયે!
તું ભલે પાસે નથી, મનથી હું ત્યાં હોઉં છું!

કેમ એવું મને લાગ્યા કરે છે આજે સતત!
હાથ હું જિંદગીથી જાણે હવે ધોઉં છું!

સાચો સંતોષ મને ત્યારે મળે છે થોડો!
કોઈની આંખનાં હું આંસુ અગર લ્હોઉં છું!

- હેમંત મદ્રાસી

ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા/ ગાગાગા

No comments:

Post a Comment