ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસથી શરૂ થયેલા લૉકડાઉન સાથે જ મારી સંવેદનાએ કાવ્યદેહ ધારણ કરતા આપની સામે સોળ દિવસ ઉપસ્થિત થતો રહ્યો ,જાણે કે આદ્યશક્તિની આરાધનાના સોળ અંતરા !
પુનઃ એ જ ચેતના ગઝલ સ્વરૂપે .
ગઝલ
ફરિયાદ ના બચી છે ના યાચના બચી છે
પાષાણ પીગળ્યો છે ને પ્રાર્થના બચી છે
પૂજ્યું છે સાધ્ય કેવળ સાધન ગમે તે લઈને
ક્યારેય ના કરી તો ક્યાં સાધના બચી છે?
ના આમ તો રહ્યો છે અધિકાર બોલવાનો
' ખમ્મા કરો ' કહું છું ,કેવળ મના બચી છે
નિર્મલ ગગન થયું છે ,તારા ગણી શકું છું
પૂરી કરું ગણતરી એ કામના બચી છે
લાગે કોઈ અગોચર પાવન ઝરો વહે છે
પસ્તાવો ત્યાં નીતારું એ ચાહના બચી છે
- પ્રતાપસિંહ ડાભી'હાકલ' ૧૩/૪/૨૦૨૦
No comments:
Post a Comment