### સૂચનો અપેક્ષિત ###
મારી ગઝલો
ઘાવો રૂઝાય છે પણ ડાઘા પડ્યા કરે છે!
મન કેવું અવળચંડું, સુખો સહ્યા કરે છે!
પ્હાડો થકી કૂદીને, ઝરણું નદી બનીને,
છે કોણ, જેને મળવા કાયમ વહ્યા કરે છે?
મનમાં ને મનમાં આંખો મીંચું, ઉઘાડું આંખો:
મનમાં ને મનમાં ઉજડી, નગરો વસ્યા કરે છે!
આવી ગુમાવ્યું છે જે, લઇને જવાનું છે શું?
ખોયું જે છે એ પાછું કાયમ જડયા કરે છે!
કહેવાનું શું રહ્યું છે? કહેવાનું એ, 'હરિ', કે
કહેવાનું છે જે, મારી ગઝલો કહ્યા કરે છે!
હરિહર શુક્લ 'હરિ'
છંદ : (ગાગાલગા લગાગા) × ૨
No comments:
Post a Comment