Saturday, 11 April 2020

ગઝલ

'સાદ હોવો જોઈએ'
(ગઝલ)

ગઝલોમાં સૂફીવાદ હોવો જોઈએ,
કહેનાર કો' ઉસ્તાદ હોવો જોઈએ!

અત્યારના સુખથી છકી ના જાય કોઈ!
ભૂતકાળ એથી યાદ હોવો જોઈએ!

ભીનાશ એની અનુભવું છું વાતમાં,
હા, તારે ત્યાં વરસાદ હોવો જોઈએ!

માધુર્ય, તો સંબંધમાં આવી શકે!
આપસમાં બસ, સંવાદ હોવો જોઈએ!

ના અડધી રાતે ઊંઘ ઊડે આ રીતે!
કોઈ પુરાણો સાદ હોવો જોઈએ!

એ, વાત તારી ધ્યાન પર તો લઈ શકે!
ના વાતમાં ઉન્માદ હોવો જોઈએ!

જેનું કદી પણ કાળજું કંપે નહીં!
માણસ નહીં, જલ્લાદ હોવો જોઈએ!

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment