Sunday, 5 April 2020

ગઝલ

*અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !*

કોણ પઢાવે રોજ નમાજો ? અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !
કોના છે આ ભક્તિ સાજો ? અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !

*એક  તરફ અલ્લાહો અકબર , બીજો નાદ અલખ - નિરંજન !*

*ક્યાં પહોંચે છે બે ય અવાજો ? અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !*

ધર્મ  પતંગોની  દોરી  પર  માથા  કાપી  નાખે  એવો ,
કોણ ચડાવે છે આ માંજો ?  અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !

ભાન વગરના સાધુ - સંતો , હોશ વગરના મુલ્લા-શેખો  ;
મઝહબ છે કે છે આ ગાંજો ! અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !

ક્યાં જાશે આ બે ય સવારી ? અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !
એક નનામી ! એક જનાજો ! અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !

ધોળે દિ ' એ અજવાળામાં !! હાથોમાં લઈ ફાનસ બત્તી
શોધે છે શું ? અંધ - સમાજો ! અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !

નવજાત શિશુની આંખો જેવો વાસી સૂરજનો આ તડકો !
લાગે છે કાં  ' કાયમ ' તાજો ? અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !

-કાયમ હજારી

No comments:

Post a Comment