દર્પણ દીઠું તો સમજાયું;
રૂપથી ઓજસ હોય સવાયું.
દિનચર્યા શું વિરહી જીવનની
સાંજ પડી કે વા'ણું વાયું?
આંખ મિલાવી પ્રેમથી કોણે;
ઝેરની સાથે અમૃત પાયું ?
ગમનો પણ આઘાત છે કેવો ?
હસતાં હસતાં જ રોઈ પડાયું !
એક પતંગાની હિંસામાં;
દીપકનું સર્વસ્વ હણાયું !
અંત પળે પણ સ્પષ્ટ થયું ના;
સત્ય ગયું કે સ્વપ્ન હરાયું ?
યાદ ભ્રમરની તડપાવી ગઈ;
કોઈ કમળ જ્યાં શૂન્ય બિડાયું !
---- શૂન્ય પાલનપુરી
No comments:
Post a Comment