Monday, 19 September 2016

ગઝલ

ગઝલ @ રવીન્દ્ર પારેખ

સાવ ખાલી રાતમાં કંઇ દમ નથી,
છોડ,આખી વાતમાં કંઇ દમ નથી.

યાદનો અંધાર કંઇ એવો વધ્યો,
કે થયું પરભાતમાં કંઇ દમ નથી.

કે તણખલું પણ નથી હાલ્યું ભીતર,
બ્હાર ઝંઝાવાતમાં કંઇ દમ નથી.

મૂલ્ય સૌનું  છેવટે તો નીકળે,
છો કહો શરૂઆતમાં કંઇ દમ નથી.

કે ઉંમર વધતાં ઘટે છે એટલે,
પાંચ,છ ને સાતમાં કંઇ દમ નથી.

હું મરીને પણ જીવી તો જાઉ છું,
છોડને આ-ઘાતમાં કંઇ દમ નથી.

શ્વાસ આપે છે કે ખૂટે છે તરત,
તારી આ ખૈરાતમાં કંઇ દમ નથી.

રવીન્દ્ર પારેખ

No comments:

Post a Comment