(ગઝલ)
કાકલૂદી , આજીજી કરવાના 'દી આવ્યા હવે;
ખાનગીમાં માંગણી કરવાના 'દી આવ્યા હવે.
ચાંપલૂસીને બડી કરવાના 'દી આવ્યા હવે;
ભાઈગીરીને ખરી કરવાના 'દી આવ્યા હવે.
થઈ ગઈ બુઠ્ઠી કલમની ધાર એવું લાગે છે ;
કરગરીને શાયરી કરવાના 'દી આવ્યા હવે.
સત્યને , સિધ્ધાંતને કોરે મૂકો તો શાણપણ;
તક મળે તો રોકડી કરવાના 'દી આવ્યા હવે.
શકિતશાળી કોણ? ઈશ્વર? સત્તા, પૈસો કે પછી-
આજે પૂરી ખાતરી કરવાના 'દી આવ્યા હવે.
જાત બાળી સ્વંયને અજવાળવાનો અર્થ શું?
તેજ માંગી ચાંદની કરવાના 'દી આવ્યા હવે.
કાલના કડવા અનુભવ આજને સમજાવે છે;
માનવીની બંદગી કરવાના 'દી આવ્યા હવે.
મંચના જોરે ગઝલકારો સુખી સંપન્ન છે ;
પણ ગઝલને ખુદકુશી કરવાના 'દી આવ્યા હવે.
પાપને "નાશાદ" આપો સ્વીકૃતિ સલુકાઈથી;
ધર્મને હમણાં નહીં કરવાના 'દી આવ્યા હવે.
ગુલામ અબ્બાસ "નાશાદ"
No comments:
Post a Comment