એક જણ ગૂમ થઇ રહ્યું છે આપણામાંથી,
હા સફર દૂર થઇ રહી છે કાફલામાંથી.
ક્યાં જીવાયું કોઈથી નિર્લેપ આ જગતે,
મોહ, માયા, દોડ, મૃગજળ વાસનામાંથી.
જ્યાં અનુભવ શ્રેષ્ઠ શિક્ષકની ગરજ સારે,
ત્યાં મળે છે શીખ એને આગલામાંથી.
આજ શેરી, ગામ, પાદર ને ગલી સોરાય,
દોટ મૂકી છે યુવાને ગામડામાંથી.
જીવ ના ચાલ્યો જૂની એ ડાયરી ફેંકતાં,
ક્યાંક જૂનો પ્રેમ રુવે પાછલામાંથી.
બે ઘડી,પળ બેસતા 'એ' પેન્શનર થઇ,ત્યાં
સ્મિત, ખુશી, દોસ્ત મળતાં બાંકડામાંથી.
પગ પછાડે, લાળ પાડે માતને જોઈ,
બહાર નીકળવા શિશુ એ પારણામાંથી.
ઊંઘ આવે ચેનની એ ગોદડી માંહે,
સ્મૃતિ હરદમ માતની જે સાડલામાંથી.
નિશી સિંહ
No comments:
Post a Comment