ક્યાં સુધી?
શ્વાસ પણ પીડા વધારે, ક્યાં સુધી સ્હેવું હવે ?
રોજ બસ જૂદાં પ્રકારે, ક્યાં સુધી સ્હેવું હવે ?
મોરપીંછું નથી, માખણ નથી, ગોકુળ નથી,
રાધિકા જખ્મો સંવારે, ક્યાં સુધી સ્હેવું હવે ?
ઓરડો ને ઓસરી ખાલી નથી- ભરચક નથી,
આફતો લટકાય દ્વારે, ક્યાં સુધી સ્હેવું હવે ?
એક પળ અફવા બને- શબ્દો બની છાપે ચડે,
મૌન હાંફે છે નગારે, ક્યાં સુધી સ્હેવું હવે ?
રોજ તરસું, રોજ વરસું તે છતાં મજબૂત છું,
તૂટવાનું છાશવારે, ક્યાં સુધી સ્હેવું હવે ?
#આલાપ
No comments:
Post a Comment