Thursday, 20 October 2016

ગઝલ

ગઝલ

હોય એનાથી વધારે ક્યાં સુધી લખવું, કહો ?
આમ કોઈના ઈશારે ક્યાં સુધી લખવું, કહો ?

ના કશું પણ તો નવું લખવા નથી દેતા તમે,
સાવ જૂના એ વિચારે ક્યાં સુધી લખવું, કહો ?

કોઈ ના વાંચે કે ના કોઈ જો છાપે આ ગઝલ,
તો સતત આ રીતે મારે ક્યાં સુધી લખવું, કહો ?

સત્યને તો સૌ દબાવી દેવા માંગે છે અહીં,
આમ આ તલવાર ધારે ક્યાં સુધી લખવું, કહો ?

રાત આખી આ ગઝલ માટે મથામણ મેં કરી,
ઊંઘ આવે છે સવારે, ક્યાં સુધી લખવું, કહો ?

-હેમંત મદ્રાસી

No comments:

Post a Comment