સાંજણ ઘેલા અવસર
ડૉ. ભાવેશ જેતપરિયા
લ્યો ગોટમોટ અંધારું ઓઢીને આરપાર હોવાના અવસર આવ્યા
ચૂંદડી કેરી ભાતે ટસિયા તેજે તારતાર જોવાના અવસર આવ્યા
આકાશ કેરી દોમદોમ સાયબીને પિંંડની પ્યાલીના ચમકારા સાંધે
કાજળ કેરાં જળને લગરીક તાગી ભડભડ નજરુ ઝટ કરી બાંધે
મબલખ લૂમે ઝૂમે જળહળ આવી પૂગ્યા સાંજણઘેલા અસવાર
લ્યો ગોટમોટ અંધારું ઓઢીને આરપાર...
અમરતની વેલ પાન લીલાં હીલોળે અંતરનાં ઉછાળ ભરી પીધાં
ફણીધરિયું હળહળતું કાઢીને સાગમટે દસશત બારીની બ્હાર કરી કીધા
સૂરતાની ભાનસાન મધરાતી નૂરતીના વાયરના દોરે ઝૂલું રે મઝધાર
લ્યો ગોટમોટ અંધારું ઓઢીને આરપાર....
પછી ના હોંશકોસ પૂછાય જરા ભીતરના અતલ તલ તાગીને અટકે
તૂંહી તૂંહી લ્હેરખિયું ચૂમે ઝૂમેને વળી ચોમેર રંગાઈ જાય ચટકે
વસ્તુરુપ વસ્તુને તેજભરી ટોપલી મસ્તક પર લઈને હાલ્યા ઓપાર
લ્યો ગોટમોટ અંધારું ઓઢીને આરપાર...
No comments:
Post a Comment