એક શમણું . . .
રાતે શમણામાં તને મેં
પીળા રંગનું ફુલ લઈ
રસ્તે ઊભેલો જોયો. ...
મને થયું,
ચાલ! લઈ લઉં એ ફૂલ.
જેવો મેં હાથ લંબાવ્યો
એ ફૂલે રંગ બદલ્યો..
હવે એણે લાલ રંગ
ધારણ કરી લીધો હતો. .
તારી અધૂરી એષણાઓનો
એ રંગ હતો શાયદ. ..
પણ હુંય શું કરું? ??
તારી હસ્તરેખાઓમાં
મારું નામ નથી.
તું મારો નથી,
હું તારી નથી.
આપણા આ મૈત્રી પ્રવાસમાં
પડાવની સંભાવના
નહિવત્ હોવાથી
મારા હાથ થંભી ગયા.
એ જોઈને તું મારાથી રિસાયો,
ને મારી સીમિત દૃષ્ટિથી
ક્યાંય દૂર જઈ છૂપાઈ ગયો.
તારી આ હરકતથી
દિલને થડકો લાગતા
હું જાગી ગઈ, ને જોયું તો
મારી આંખોના ખૂણે
બાઝેલા આંસું હતા,
ને ઓશીકાની
આસપાસ લાલ ગુલાબની
સૂકાયેલી કાળી પાંખડીઓ
વેરવિખેર હતી . . .
હેમશીલા માહેશ્વરી "શીલ"
No comments:
Post a Comment