મરઘો/બાબુ સુથાર
ન બખ્તર, ન તલવાર, ન ઢાલ,
ન ભાલો, ન મુગટ,
ન મોજડી, રત્નજડીત.
એ આવે સાંજે શેરીમાં.
ન પ્રધાન, ન અંગરક્ષકો સાથમાં.
ન કોઈ છડી પોકારે.
ન કોઈ ચાંદીની છત્રી ધરે એને માથે.
જરકશી જામા મહેલમાં છોડી
એ આવે સોળે કળાએ ખીલેલી
નગ્નતા પહેરીને.
ને એમ એ બને છે
શેરીના નાકે આવેલા
વાંસના ઝૂંડમાં
ચણતી મરઘીનો પ્રિયતમ.
એ ચાલે ઊભી શેરીએ ત્યારે
એની કલગી
ઘડીકમાં
ડાબે
ઘડીકમાં
જમણે
ઝૂકી આપે સલામ
વૃક્ષો અને છોડવાઓને.
એનાં પીછાં હાથ હલાવી
કરે અભિવાદન
શેરીની બેઉ બાજુ ઊભેલા
પારદર્શક ચાંદા
અને
તારાઓને.
અજાણ્યા શબ્દની વ્યુત્પતિ શોધતા પંડિતની જેમ
એ ડોક તાણી સુંઘે મરધીનાં પગલાંમાં ગુલાબ
ને સુગંધે સુગંધે એ પહોંચે
પેલી વાંસની ઝાડીમાં,
ત્યાં સૌંદર્યનો એક ફૂવારો,
ત્યાં પૂંજ સમુદ્રનાં મોજાંનો,
ત્યાં અપ્સરાની દૂંટીમાંથી પ્રગટેલું
એક જળ કુંડાળું,
ડોક તાણી જુએ:
મહારાજાધિરાજ પધારી રહ્યા છે.
એ સાથે જ એની આસપાસની ધૂળ
ઘૂઘરી બની રણકી ઊઠે,
એના માથે કેવડાની ત્રીજ ઊગે.
પાંખો ફફડાવી એ સાબદા કરે
વાંસને,
ને મહારાજાધિરાજ પધારે પછી
વાંસના ઝુંડમાં.
બે સોનેરી વાદળો
ચોંચમાં ચોંચ
ડોકમાં ડોક
પીછાંમાં પીછાં પરોવે,
વાદળોની પેલે પાર રહેતાં
આદિમ મેઘધનુષ્યો
તોડે પોતપોતાની પણછ
એક પછી એક.
લીલું ઘાસ લીલુંછમ્મ બને
ઉંચા વાંસ ઊંચાછમ્મ બને
રેતી અટકે રેતઘડીમાં,
એકાકીપણું પથ્થરો તળે સંતાઈ જાય.
બે સોનેરી વાદળો પછી એક લસરકે
બની જાય કેવડાનાં બે પાન.
મહારાજાધિરાજ ખુશ થઈ
એક ઝાટકે લખી આપે
એમનું રાજ્ય
તામ્રપત્ર પર
ને ધરી દે મહારાણીને.
લીલાંછમ્મ ઘાસ લીલાં બને
ઊંચાછમ્મ વાંસ ઊંચા બને
આકાશ ધરતી પરથી ઉંચકાય
દાળનાં બે ફાડીયાં છૂટાં પડે.
મહારાણી મહારાજાને તામ્રપત્ર પાછું આપે,
કહે: કાલે આપજો.
મહારાજા મલકાતે મુખે બોલે:
મહારાણી, તમે રોજ આમ કરો છો.
પછી મહારાજા તામ્રપત્ર લઈ
જાય પાછા મહેલે ચક્રવર્તીની જેમ.
મહેલને દરવાજે પ્રધાન, ખજાનચી, રાણીઓ, દાસીઓ
આવકારે મહારાજાને.
રક્ષકો બ્યૂગલો વગાડે,
ઢોલીઓ ઢોલ,
શરણાઈવાદકો શરણાઈઓ,
ભૂંગળવાદકો ભૂંગળો,
સૈનિકો વિજય પતાકા લહેરાવે,
કવિઓ મહારાજાના પ્રેમકાવ્યમાં વધુ એક અધ્યાય ઉમેરે,
ઇતિહાસકારો મહારાજાના હાથમાંથી તામ્રપત્ર લઈ
રાજ્યના સંગ્રહાલયમાં મૂકી આવે,
મહારાજા આવતી કાલની સાંજની રાહ જોતાં
પોઢી જાય ઢોલિયે.
બાબુ સુથાર
૧
હું આ ગ્રહનો જીવ નથી
હું તો મારા ગ્રહ પર
કોઈક શરત હારી ગયેલો
એટલે મારે અહીં આવવું પડ્યું.
જેમ પાંડવોનો વનવાસ
એમ એક દિવસ
મારો આ પૃથ્વીવાસ પણ પૂરો થશે
પછી હું ચાલ્યો જઈશ અહીંથી.
પણ, હું નથી ઈચ્છતો કે હું જાઉં ત્યારે
તમારા આ ગ્રહની સ્મૃતિઓને સાથે લેતો જાઉં.
મારે મારા ગ્રહને
અભડાવવો નથી.
જો કે, મને ક્યારેક
એવો પ્રશ્ન થાય છે ખરો
કે જો મારે બે ત્રણ સ્મૃતિઓને સાથે લઈ જવી હોય
તો હું કઈ સ્મૃતિઓ લઈ જાઉં?
સૌ પહેલાં તો હું કદાચ
મારી માની સ્મૃતિઓને સાથે લઈ જાઉં.
મેં એને જોઈ છે દોઢ ગજ પહોળા બાવળના થડને વહેરતી
ને બોડી ભેંશના આંચળમાંથી
ઈશ્વરના આશિર્વાદને દોતી.
ભર ઉનાળે અમે
ક્યારેક ચાલતાં બહારગામ જતાં,
રસ્તે તરસ લાગતી
તો બા એના સાડલાનો એક છેડો
કૂવામાં બોળી
એ છેડો નીચોવી
અમારું મોં ભીનું કરાવતી.
આ તો એ જમાનાની વાત છે
જ્યારે કૂવાનાં પાણી
અને માણસની માણસાઈ
હાથવા જ છેટાં રહેતાં.
આવી મા મારા ગ્રહ જોવા નહીં મળે.
તો પણ હું કદાચ એની સ્મૃતિને
મારી સાથે ન પણ લઈ જાઉં.
મને ડર છે કે ત્યાં ગયા પછી ક્યાંક મને તમારા ગ્રહનો
ઝુરાપો થઈ આવશે તો.
મારે પાછા નથી આવવું
આ ગ્રહ પર.
એટલે જ તો હું હવે
મારી માની સ્મૃતિઓને
આ કવિતાની પંક્તિઓમાં
પોઢાડીને જઈ રહ્યો છું.
આવજો.
૨
મારા ગ્રહ પર પાછા જવા
મેં માંડ એક ડગલું ભર્યું ને
યાદ આવી ગઈ બાપાની હોકલી.
બાપા રોજ સવારે ભીંતને ટેકે બેસી
હોકલીમાં દરિયાને ગલૂડિયું બનાવી
એની સામે રમતા.
આ સ્મૃતિ હું સાથે લઈ જઈ શકું એમ નથી.
કેમ કે મારા ગ્રહ પર કોઈ દરિયો નથી.
હું નથી ઈચ્છતો કે જેમ
આ ગ્રહ પર હું એકલો પડી ગયો છું
એમ બાપાનું એ ગલૂડિયું પણ ત્યાં એકલું પડી જાય.
તો શું બાપાની હોકલીને પણ હું અહીં
કવિતામાં પોઢાડીને જાઉં?
ના, એને બદલે
હું આ પંક્તિ પૂરી થાય
પછીના સવાઅક્ષરે
બાપાની હોકલીનું એક શિલ્પ મૂકતો જાઉં તો કેવું?
પણ એ પહેલાં મારે હોકલીમાંથી દરિયો તો ઠાલવી નાખવો પડશેને
એનાં મોજાં ક્યાંક મારા શિલ્પને તોડી નાખે તો?
બાબુ સુથાર
No comments:
Post a Comment