Wednesday, 9 November 2016

ગીત

[ ગીત - ચમન ગજ્જર ]

હવે તોફાની વંટળ ફુંકાયરા,
હારે હવે મળતા ના વાસંતી વાયરા.

ડેલી ને ડાયરા જે ડણકો થી ડોલતા'તા,
ગાતા 'તા કવીઓ જ્યાં ગીત,
તન મન ડોલાવે એ દુહા ને છંદોનું,
સુરીલું હોતું સંગીત,
ગાલીબ ને મીર જ્યાં ગહેકીને ગાતા એ ભાંગી ગ્યા જુના મુશાયરા,
હાંરે હવે મળતા ના વાસંતી વાયરા.

ઉગમણી કોર ઓલો ઉગંતો આભમાં સુરજ ને જોતો સવાર માં,
સાંજે સંધ્યા ને કિલકાટ વડે પંખીના લાલીમા અસ્તાંચળ ધારમાં,
ગામને ગજવતા જે નગારાં ને નોબત એ ડુકી ગ્યા ઝાલર ઝણકાયરા,
હાંરે હવે મળતા ના વાસંતી વાયરા.

આંબા આંબલીયું ને વેલ્યું કંઈ ફુલ ફળ નવ રંગી બાગો જ્યાં મહેકે,
કાબર ને કાગડા કોયલ ને પોપટ ને પચરંગી પંખીડાં ગહેકે,
જે હરીયાળાં હેતાળાં મમતાળાં રૂપાળાં લીલુડા જંગલ વઢાયરા,
હાંરે હવે મળતા ના વાસંતી વાયરા.

દિલબર દિલદાર ઓલી નાજુક ફુલ પંખડી સી પદમા થઈ ભુતડાની ભામન,
રાણા ના વિરહમાં રોતી રગ આંસુએ ઝુરતી જંગલમાં થઈ જોગન,
હોથલ તો કેદુ ની હાલી ગઈ આંહીથી આ વાસના ના મારગ દર્શાયરા,
હાંરે હવે મળતા ના વાસંતી વાયરા.

ધૃસકતો ઢોલ હોય ડુસકાં ગળા માં ને આંખોમાં આંશુની હેલી,
પૈડાનું સિંચણ ને વસમી વિદાયું જ્યાં દિકરીની જાન ઉઘલેલી,
પીપળાના પાનનાં તોરણ એ ટૂંટ્યાં ને લગ્નો જઈ કોરટ લેવાયરા,
હાંરે હવે મળતા ના વાસંતી વાયરા
- ચમન ગજ્જર

No comments:

Post a Comment