કલમ અને કોલમ
(ચેતવણી--આ રચનાના મર્મને આત્મસાત કર્યા વિના બંધ બેસતી પાઘડી-
પહેરવી કે પહેરાવવી તે ભાવજગત માટે હાનિકારક છે.)
કોલમની મરઘી તો ઈંડા મૂકે છે એવું જાણીને કલમ લલચાય છે
ભાષાના ભજીયા વેચાય છે .
ગળચટ્ટા,ખટમીઠ્ઠા, તીખા ને તમતમતા અક્ષરના થાય છે વઘાર
ગરમાગરમ બધુ પીરસ્યા કરવાનું છે સમજી લેવાનો એ જ સાર
પળમાં પ્રસિધ્ધિની પાંખો ફૂટે ને નામ સેલિબ્રિટીમાં ચર્ચાય છે
ભાષાના ભજીયા વેચાય છે .
મિત્રો મજાકમાં તો એમ પણ કહે છે કે આવ્યો વીકેન્ડનો આ વેઠિયો
માતા સરસ્વતી રીજે નહીં તેથી શું રાજી તો થાય છે ને શેઠિયો ?
સરવાળે આ રીતે કેટલા’ક સર્જકના રોબોટમાં રૂપાંતર થાય છે
ભાષાના ભજીયા વેચાય છે .
સાચુકલા ભાષાના મરમી જે હોય એને દહીદૂધમાં રમતા પણ આવડે
એવાં બહુ ઓછા જે પોતાની ઓળખને સર્જે છે પોતાના બાવડે
કોલમ નહીં કલમને પ્રેમ કરી જાણે ને શબ્દો તો એના રહી જાય છે
ભાષાના ભજીયા વેચાય છે .
કૃષ્ણ દવે. તા-16.12.2016
No comments:
Post a Comment