અેક સ્કૂલની અેકોકિત
==============
પરીક્ષા પૂરી થયાની ખુશીમાં
ઉતાવળે
તમે બધા ચાલ્યા જાવ,
પછી
સૂની પડેલી લાયબ્રેરી,કલાસરૂમ,લેબોરેટરી
અને
ખુલ્લા મેદાનમાં દિવસેય અંધારું - અંધારું લાગે.
લીમડો , કેતકી , ચંપો , જૂઈ અને
તોફાની બારકસ જેવી
આ બોગનવેલ કૂદાકૂદ કરીને
આખું વેકેશન મને પજવ્યા કરે .
કયારેક
રોડ ઉપર તમારો પગરવ સાંભળી
હું દોડતીક ઝાંપા સુધી આવું,
તમને સાદ પાડું
પણ તમે તો મમ્મી - પપ્પા સાથે
રૂવાભેર જતા રહો,
મારી સામેય જોયા વગર .
હું સાવ મૂઢ જેવી થઈ જાઉં
ત્યાં જ
ફૂલની પાંખડી જેવું વેકેશન ખૂલે.
તમારા નાના-નાના પગને હું પગથિયાં
પરથી જ ચૂમી લઉ.
આંધળી માની જેમ તમારા ચહેરા પર
અને આખે શરીરે હાથ પસવારું,
તમને ભેટી પડું.
તમેય બધું ભૂલીને મારી સાથે
વતોઅે વળગો,
પણ ત્યાં જ
લોબીમાં
લાં.....બો... સફેદ ડગલો
પહેરેલા ફાધરનો પડછાયો દેખાય
અને ........
-મનસુખ લાખાણી
No comments:
Post a Comment