Monday, 30 January 2017

ગઝલ

તોરણ છે તરોતાજા અને દ્વાર ઉઘાડા,
આથી વધુ શું હોય પ્રતિક્ષાના પુરાવા.

ચાહતના અલગ હોય નહીં વેશ ને વાઘા,
પડકાર ભલે હોય અમાસી કે રૂપાળા.

આ વાતથી તો થાકના સૌ છેદ ઉડી ગ્યા,
કે, ચાંદ ને સૂરજના નથી ક્યાંય ઉતારા.

ઝીલે છે ઘણું ને ઘણું એ બાદ કરે છે,
એથી તો જુઓ ડાળના ખૂટે ન  ખજાના.

દાવો મેં કર્યો'તો કે એ કાબૂમાં છે કિન્તુ,
આ મન તો સરેઆમ કરી લે છે ઈશારા.

તું હાથ ન લંબાવ છતાં આપશે જોજે,
તારામાં કદીક એને જો દેખાય સુદામા.

ચર્ચાનો વિષય હોય તો ચર્ચા ય કરી લઉં,
પણ મૌન આ સંવાદ વિશે ગીત શું ગાવા?

------- લક્ષ્મી ડોબરિયા.

No comments:

Post a Comment