*બાકી છે*
ગુજારી જે પળો સાથે, હવે બસ યાદ બાકી છે
હજુ તો મૌન પડઘાયું નથી, સંવાદ બાકી છે
ઘડીભર રાહ જો એ જીવ! ના ઉતાવળો તું થા
સકળ બ્રહ્માંડના સંગીત કેરો નાદ બાકી છે
થયું વેરાન, કાલે જે સુરક્ષિત આંગણું લાગ્યું
હટાવી દે, ચમનમાં આજ પણ સૈયાદ બાકી છે
કરી વિશ્વાસ શત્રુનો, અમે ના પારખી, પીધાં
હતાં એ ઝેર, અમૃતનો હજી આસ્વાદ બાકી છે
મુહોમ્મદ, ઈશ કે ઈસુ ! હવે અવતાર તું લઈ લે
અહીં તો ધર્મના નામે, ઘણા ઉન્માદ બાકી છે
તમારાં ખંજને ડૂબી, અહોભાગી બન્યા કિન્તુ
ઘણી નાશાદ હસ્તીને, થવાનું શાદ બાકી છે
વતન પર પ્રાણ ન્યૌચ્છાવર કરૂં, છે દાઝ અંતરમાં
પરંતુ 'ચંદ્રશેખર' ને થવું આઝાદ, બાકી છે
* આ કૃતિ સ્પર્ધા માટે છે.
ચંદ્રશેખર પંડ્યા.
No comments:
Post a Comment