*પલ* | *હૃદયનો સીધો અનુવાદ*
આડું-અવળું બોલી લીધું બીજું તારે શું કરવું છે ?
અફવાનું ઘર ખોલી લીધું બીજું તારે શું કરવું છે ?
ભારે-ભરખમ લાગણીઓની હલકી-ફુલકી કૉપી કરવા,
શબ્દોનું સ્તર છોલી લીધું બીજું તારે શું કરવું છે ?
અંદરનું એકાંત ! ઉપર ખુલ્લો-ખાલી હાથ લખ્યો છે,
*વાહ* કહીને ડોલી લીધું બીજું તારે શું કરવું છે ?
ચકચકતો એક નાતો આંખે પાટો બાંધી સંઘરવાનો,
દિલને આખું ઠોલી લીધું બીજું તારે શું કરવું છે ?
પ્હેરી-ઓઢી-પામી લીધું - શબ્દોનું બળ માપી લીધું,
હોવું મારું તોલી લીધું બીજું તારે શું કરવું છે ?
ફૂલો સામે તું યે *ફોરમ !* ઓકાતોની વાત કરે છે ?
પાને-પાનું ફોલી લીધું બીજું તારે શું કરવું છે ?
જે ખાલી છે એ ખખડે છે નિયમ સાલો ક્યાં બદલાયો ?
મૌન અમારું મોલી લીધું બીજું તારે શું કરવું છે ?
*આલાપ*
#CM_Sarkaar
No comments:
Post a Comment