Wednesday, 8 February 2017

ગઝલ

આ બીજી...

જે રહે હૈયે અને ના હોઠ લગ આવી શકે.
હોઠ એ વિચારને લેવા હવે સામા જશે.

એક કવિતા શીશામાં નાખી નદીમાં ફેંકતા,
ફેસબુક પર એ અચાનક વાઇરલ બનતી રહે.

રોજ સંકેલું અને દરરોજ વીંખાઈ જતો,
કોણ છાનુંમાનું આવી, આવીને અડતું મને.

મેં મનોરથ ઘડવામાં માગી હતી એની મદદ,
સહેજ પણ ધાર્યું નહોતું એ ઘડામણ માગશે.

કો'ક ઘડિયાલીની દુકાનેથી ભાગેલો સમય,
એવી જગ્યા શોધતો જ્યાં ભય વિના છુપી શકે.

મારાં પત્તાં કાપનારા સહુનો આભારી રહું,
એમના લીધે જ મારામાં નવું ઊગ્યા કરે.

મારાં પત્તાં કાપનારા, જા, તને આશિષ છે;
બારે મહિના તારી અંદર પાનખર બેસી રહે.

- કુલદીપ કારિયા

No comments:

Post a Comment