[2/7, 2:40 PM] +91 98790 49553: એકાદ એવી વાતમાં આ વાત થઈ હશે,
હળવી મજાક આપણી આઘાત થઈ હશે;
ત્યારે હૃદયને કામ ખરું સાંપડ્યું હશે,
*જ્યારે પ્રણયની જગમાં શરુઆત થઈ હશે;*
ધરતી-ગગન ક્ષિતિજ પર આલિંગતા રહ્યા!
એકાંત એને આપવા આ રાત થઈ હશે;
દરિયા કિનારો, રેત, તમારું સ્મરણ ને હું-
કેવી અનોખી એ ય મુલાકાત થઈ હશે!
કહેવું પડ્યું તમારે - નથી હું ભૂલી શકી!
મારા દરદ-પીડાની વસૂલાત થઈ હશે;
બોલાવી માંહ્યલાએ ખુલાસો પૂછી લીધો!
નક્કી કશેથી કોઈ રજૂઆત થઈ હશે;
ખોલ્યો જરાક ચોપડો જ્યાં લેણ-દેણનો,
કોઈ નહિ તો સામે ખુદ આ જાત થઈ હશે!
: હિમલ પંડ્યા
(કવિશ્રી આદિલ મન્સૂરીની ખ્યાતનામ પંક્તિ પરથી લખાયેલી તરહી ગઝલ)
********
કહેવાનું હોય જે કશું એ કહી શકો નહી,
સહેવાનું બધું એકલા ય સહી શકો નહી;
તો જીંદગીનો લાભ તમે લઈ શકો નહી,
વહેવાના સમય પર જો સાથ વહી શકો નહી;
પગમાં પડી છે બેડીઓ અદ્રશ્ય એટલી,
નીકળી જવું હો તો ય કશે જઈ શકો નહી;
એના થવાના કોલ સતત આપતા રહો!
આવે ખરો વખત ને એના થઈ શકો નહી;
એવી બધાની જીંદગીમાં બે જગા હશે,
ત્યાં ગોઠતું ન હોય, અહીં રહી શકો નહી.
: હિમલ પંડ્યા
**********
શંકાથી પર થવાય ને! ત્યારે જીવાય છે,
શ્રધ્ધા પૂરી સ્થપાય ને! ત્યારે જીવાય છે;
સાવ જ અજાણ્યા લોકના દુ:ખ-દર્દ જોઇને,
આ આંખ ભીની થાય ને! ત્યારે જીવાય છે,
હોવું નશામાં એકલું કાફી નથી હોતું!
પીડા બધી ભૂલાય ને! ત્યારે જીવાય છે;
ગમતું કોઈક આવીને પૂછી લે 'કેમ છો?'
ડૂમો પછી ભરાય ને! ત્યારે જીવાય છે;
છૂટાં છવાયા શેર લખો, સાચવો ભલે!
આખી ગઝલ લખાય ને! ત્યારે જીવાય છે;
તારા થઈ જવાથી મને એ ખબર પડી!
તારા થઈ જવાય ને! ત્યારે જીવાય છે;
: હિમલ પંડ્યા
**********
તમને મળ્યા પછીની બધી વાત છે જુદી,
સપનું ફળ્યા પછીની બધી વાત છે જુદી;
થોડો સમય જરુર લીધો'તો વિચારવા,
પણ હા, ઢળ્યા પછીની બધી વાત છે જુદી;
આણે કહ્યું, એણે કહ્યું, શું-શું કહ્યું, શાને કહ્યું?
સઘળું ગળ્યા પછીની બધી વાત છે જુદી;
ખોટો જ એ રસ્તો હતો, મોડી ખબર પડી!
પાછા વળ્યા પછીની બધી વાત છે જુદી;
મારાપણાંનો ભાર ફગાવી દીધો છે મેં,
ખુદને છળ્યા પછીની બધી વાત છે જુદી;
કૈં કેટલાં યુગોથી અે બોલાવતો હતો,
જઇને ભળ્યા પછીની બધી વાત છે જુદી;
શાને મજાના મોત! તને ટાળતો રહ્યો?!
જીવન ટળ્યા પછીની બધી વાત છે જુદી.
: હિમલ પંડ્યા
**^********
સમજી શકાય એટલું સમજી ગયો છું હું!
શીખી શકાય એટલું શીખી ગયો છું હું!
દુનિયાતણા આઘાતની પરવા નથી હવે,
તૂટી શકાય એટલું તૂટી ગયો છું હું!
સુખની ક્ષણોનું હોવું તો છળથી ભરેલું છે,
જાણી શકાય એટલું જાણી ગયો છું હું!
આંસુ, ઉદાસ આંખ ને સપનાનું તૂટવું,
ભૂલી શકાય એટલું ભૂલી ગયો છું હું!
શબ્દો લઈને અર્થના પડાવ પર ગયો,
પામી શકાય એટલું પામી ગયો છું હું!
એ મોત! તું યે આવવામાં ઢીલ કાં કરે?
જીવી શકાય એટલું જીવી ગયો છું હું!
: હિમલ પંડ્યા
[2/7, 6:24 PM] +91 98790 49553: અંજામ એટલો જ કે જર્જર બની ગયો,
આ લાગણીનો મ્હેલ પણ ખંડર બની ગયો;
મોતી તો ખેર ના મળ્યા, આંસુ સરી પડ્યા!
ખુદ મરજીવો જ આજ સમંદર બની ગયો;
હમદર્દ થઈને લોક એ જીવનમહી મળ્યા,
જેનો દિલાસો પીઠનું ખંજર બની ગયો;
જાણું છું તું એ શોખ સત્તાનો ધરાવે છે,
વર્ચસ્વ રાખવું હતું, ઈશ્વર બની ગયો;
દુનિયા તણી કમાલ પણ કાબિલેદાદ છે,
ઝાકળનો માનવી હતો, પત્થર બની ગયો!
પીડા હૃદયની જે ઘડીએ હદ વળોટી ગઈ;
સમજુ હતો એ કેટલો! શાયર બની ગયો!
: હિમલ પંડયા
************
માગ્યું અગર ન સાંપડે તો શું ફરક પડે?
શોધો છતાં ય ના જડે તો શું ફરક પડે?
ઈચ્છા હતી કે જીંદગી ખુશીઓ સભર બને!
મધ ના રહ્યું જો આકડે તો શું ફરક પડે?
હિંમત કરી આગળ વધી શકો એ ઘણું છે;
થોડા કદમ જો લડખડે તો શું ફરક પડે?
વીતી ગયેલી કાલને વાગોળતા અમે,
બેસી રહ્યા જો બાંકડે તો શું ફરક પડે?
કૈં કેટલા યુગોથી અહીં તપ ધરી બેઠાં!
આવે ન કોઈ રાફડે તો શું ફરક પડે?
બળતું રહ્યું છે હૈયું આ છેવટની ક્ષણ સુધી;
બળશે જો દેહ લાકડે તો શું ફરક પડે?
: હિમલ પંડ્યા
*********
જે માનતો નથી એ કદી નહી કહી શકું,
સાવ જ અમસ્તી લાગણીમાં નહી વહી શકું;
સહુનો મળે ન પ્રેમ તો એ ચાલશે મને,
સહુ અવગણે મને તો હું એ નહી સહી શકું;
આ થાય, આ ન થાય, આ કરાય, ના કરાય;
તમને ગમે એવી રીતે તો નહી રહી શકું!
સાચું જો કહેવા જઇશ તો માર્યો જઈશ અને,
ખોટું મરી જઈશ તો ય નહી કહી શકું!
આ બસ ખુમારી છે જે ટકાવી રહી મને;
એના વિના હું ક્યાય ટકી નહી રહી શકું.
: હિમલ પંડ્યા
No comments:
Post a Comment