Thursday, 9 February 2017

ગઝલ

હું આવું ને આવે આગમન એકાંતનું એકલું એકલું
ને મને ઘેરી વળે સંતાનોની જગ્યાએ મારી એકલતા

હતું હાસ્ય સંમેલન રોજ રોજ ને રમૂજ હતી જિંદગી
આંખો કાઢી અટ્ટહાસ્ય વેરતી હવે રોજ આ એકલતા

પડઘમ પ્રેમ કેરા ગુંજે ને અથડાય આ દીવાલો સંગ
પાડી પડઘા અંતર ચીરતી રોજ ભયાનક એકલતા

એક કલરવ બંધનોનો અચાનક બંધ થયો ને ઉઘડી
મૌન દેકારા દેતી પરાણે બાથ ભીડતી આ એકલતા

ઓહ આ કો અદ્રશ્ય ઉઝરડા મુજ અંતર પટે ઉભરાયા 
જરા આમ જોયું તો નહોર ભરાવતી'તી આ એકલતા

યાદોના ઓથે ઓથે ને સંબંધોના સહારે રોજ રોજ
ચંદ્ર કળા પેઠે થાય વધ ઘટ એકલી એકલી એકલતા

બની પૂનમ એક'દિ પટાવે કદી ને સંતાય વાદળ વાંહે
ને બીવડાવે બની અમાસ અંધારી ઘોર આ એકલતા

વરાળ વાસનાઓની વધી ને દળી આર્દ્રતા દર્દ તણી
બની આંસુ આંખમાં વખત આવ્યે વહી જતી એકલતા

એકલતાના અનુભવે ઉઘડ્યું દ્વાર અનોખું એક અદ્વૈતનું
ને પ્રગટી પ્રાણ મધ્યે પ્રેમ તણી નાજુક નાજુક એક લતા 

સુરજ ચાંદો તારા ને ધરતી વિચરે છે સહુ અહી એકલા
અંશ "હું"એ એનો ને હવે મુજને શું ભીડ ને શું એકલતા

આવ્યા એકલા જવાના એકલા હવે એ જ જ્ઞાન "પરમ"
"પાગલ" પ્રેમીને હવે શું કરી શકવાની આ એકલતા

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment