Friday, 24 March 2017

10 रचना

તમને ભુલી જવાની કોશિશ કરી હતી
મેં આંખ ખોલવાની કોશિશ કરી હતી

સારું થયું હૃદયને રસ્તો જડી ગયો
મેં ચાંદ આંબવાની કોશિશ કરી હતી

પીડા નદી બનીને આંખે વહે ભલે
કાંઠો બનાવવાની કોશિશ કરી હતી

સૂરજ સજાવુ કયાંથી દૃષ્ટિ રહી નથી
આકાશ ઝીલવાની કોશિશ કરી હતી

સપનું બની વિરહનું ઘેરી વળ્યા મને
યાદો મરોડવાની કોશિશ કરી હતી

કોણે કહ્યું નજરને લાગે નહીં નજર
નજરો ઉકેલવાની કોશિશ કરી હતી
...વર્ષા પ્રજાપતિ

એક બારી સાવ ખુલ્લી રાખજે,
આંખને રસ્તો  બતાવી રાખજે.

વાત જોજે કયાંય સરકી જાય ના,
મૌનની સાંકળ લગાવી  રાખજે.

છું  હજી અકબંધ  તારી યાદમાં,
યાદનો  દીપક  જલાવી રાખજે.

વાતમાં ઉલ્લેખ મારો થાય તો,
આંસુઓની   ધાર રોકી રાખજે.

હું તને તારા વિશે શું  શું  કહું?
મુખ પર  ટપકું  લગાડી રાખજે.

જો ! ઝરુખે હું ઊભી જોવા તને,
બારીએથી તું ય  તાકી રાખજે.
               -વર્ષા પ્રજાપતિ
                   (ઝરમર)

વરસવા દો હૃદય બેફામ હજુ તો રાત બાકી છે
છલકવા દો નજરના જામ હજુ તો રાત બાકી છે

તમે ઉલ્ફત કરીને એમ ચાલ્યા ગ્યા કિનારેથી,
નથી દિલને હવે આરામ હજુ તો રાત બાકી છે

અસર છે આપની ફૂલો,પવનમાં,આભ,ધરતી પર,
અમારો શું થશે અંજામ હજુ તો રાત બાકી છે

તમે પણ કેટલા રસ્તા કર્યા અમને બદલવાના,
અમે તોપણ થયા બદનામ હજુ તો રાત બાકી છે

હવે અવસર મળે કે ના મળે દીદાર કરવાનો,
સમયને વેડફો ના આમ હજુ તો રાત બાકી છે

જરા સાકી છલકવા દો, હવાનો લય બદલવા દો,
સરકવા દો ગઝલની શામ હજુ તો રાત બાકી છે

સભામાં એટલે તો જામતી કયા  આટલી રંગત?
નથી પડતું તમારું નામ હજુ તો રાત બાકી છે.
...વર્ષા પ્રજાપતિ ઝરમર

સામસામેથી ખસીને સાવ પાસે આવ મારી,હે સખા!
કેટલી હું ભોગવું આ લાગણીની હાડમારી,હે સખા!

કેમ પેલા આભથી ટહુકો નથી પડતો છતાં વરસાદ છે,
આજ શાને ભીંજવા મન થાય પાછી જાત ભારી, હે સખા!

મેં નથી માંડી કથા આ વારતા વરસો જુની છે એટલે,
શ્વાસમા સંતાઈ જાતી વેદના આ એક ધારી,હે સખા!

ટેરવાં ગણતી રહી છું જેમ રાધા વાટ જોતી શ્યામની,
જાત મીરાંની બની, તું રાખજે બસ લાજ મારી,હે સખા!

યાદની લે હારમાળા મોકલું તું સાદ કર ને દૂરથી,
મેં પવનમા ઝૂરતા આ શ્વાસની રાખી પથારી,હે સખા!

વાંસળી થઇ વાગતી રહુ એ જ છે મંજૂર આખી જિંદગી,
બોલ તું કયારે સમજશે પ્રેમની પીડા અમારી,હે સખા!
...વર્ષા પ્રજાપતિ ઝરમર

આંખથી છલકી નથી એ વાત માટે શું કહું?
જામમાં ઢોળાઇ જાતી જાત માટે શું કહું?

લ્યો કહો તો પાંપણોથી એક ખોંખારો કરું,
પણ નજરથી મારતી તાકાત માટે શું કહું?

વાદળો ઘેરાય છે, વિખરાય છે આકાશમાં,
મોકલે તું વીજના આઘાત માટે શું કહું?

તું કહે તો મોકલી દઉ સ્નેહની કંકોતરી,
ને પછી વટલાઇ જાતી નાત માટે શું કહું?

ઝાડને પણ ભાર લાગે છે હવે ભીનાશનો,
નીડને ઘેરી વળ્યા એકાંત માટે શું કહું?

એક સૂરજ ઉગવાની લાહ્યમા ને લાહ્યમા,
રોજ તોફાને ચડેલી રાત માટે શું કહું?

...વર્ષા પ્રજાપતિ ઝરમર

સખી, સપના આવે છે મને શ્યામના..
આડી પડુ કે જરા ઘેરાતી આંખ, કોઈ લઈ જાતું વૃંદાવન ધામમાં..
સખી, સપના આવે છે મને શ્યામના.....

સપનામાં દેખાતા જમનાજી,રાધાજી...ઘેલી ગોપીઓ સંગ કાનજી...
આખું ગોકુળ મારી આંખોમાં બેઠું ને,ભૂલી પડી હું મારું ગામજી
મોરપીંછવાળામા મારી છલાંગ મેં તો, કેમ હવે આવું હું ભાનમાં...
સખી, સપના આવે છે ......

એકવાર ઓધવજી આવ્યા ગોકુળ, પેલા કાનાનો સંદેશો આપવા..
રાધાની આંખોમાં એવા ઘેરાયા
કે ભક્તિમાં લાગ્યા'તા નાચવા
સરનામા વિનાનો કાગળ થઇને હવે ફરતાં રહે છે આખા ગામમાં
સખી, સપના આવે છે.....

મોરપીંછ,માખણ,ને અલબેલી વાંસળી...બોલો તો રાધાનું શું?
કાનો તો આખોયે ગોકુળને નામે,
કાનાને પોતાનું શું?
મારું સ્વરૂપ મને સમજાવો કોઈ,  હું તો બેઠી છું ગિરધરના ધ્યાનમાં
સખી, સપના આવે છે મને શ્યામના....

....વર્ષા પ્રજાપતિ ઝરમર

ભીતર વાગે ઝાલર ઝીણી, હૈયું ઝળહળ થાય
અંધારાના ઓળા ઊતરી અજવાળું રેલાય

યાયાવર પંખીની પાંખે પામુ જગવિસ્તાર,
હું જ મને અથડાઉ ભીતર થઇને અનરાધાર
અલખધણીને સમરુ ત્યારે મન ગંગાજળ થાય
ભીતર વાગે ઝાલર............

આકાશે ડગ માંડુ ત્યારે વિશ્વ લાગતું ટપકું,
અનહદની હદ કયાંય જડે ના,હરિ નામમાં અટકુ
જેમ ધરુ હું ધ્યાન, નિજનું સ્વરુપ નિર્મળ થાય
ભીતર વાગે ઝાલર...

એમ અદીઠો સાથ મળે તો બનું નિરંજન રૂપ,
સૌમા વસતા રામનામમા પામુ આત્મ સ્વરૂપ
ગુરુ મળે તો ગાગર, સાગરજળ થઇને છલકાય
ભીતર વાગે ઝાલર.....

....વર્ષા પ્રજાપતિ ઝરમર

ગીત....

એકલ  દોકલ સપનાને સથવારે તમને મળશું સાજન...
સાવ અડાબીડ જીવતરને અજવાળે પાછા વળશું સાજન

ઝળહળતું એકાંત ભરીને આવીશું મધરાતે રે...
તમે કહો તો લાગણીઓને વાવીશું સંગાથે રે..
કલરવતી ઈચ્છાઓ વચ્ચે એકમેકમાં ઢળશું સાજન...
એકલ દોકલ.........

મણિયારાની પ્રીત બનીને આવો તો સત્કારુ,
તારે હાથે પહેરું ચૂડી,શ્વાસોથી શણગારુ
ડગલે પગલે સાવ અબોલી પીડા તમારી કળશું સાજન...
એકલ દોકલ.........

તું ભરચક ઊનાળો ને હું ધોધમાર ચોમાસું
સમજણની શેરીમાં આપણ ગીત અનેરા ગાશું
તું કાંઠો હું નીર સરોવર,મધરાતે ખળભળશું સાજન....
એકલ દોકલ.....
.......વર્ષા પ્રજાપતિ ઝરમર

પીઠ પાછળ ઘા કર્યો સંતાઈને,
જીવ કેવો નીકળ્યો રોકાઈને

રાત આખી એમ ઓગળતી રહી,
કોક શમણાંમાં ગયું ડોકાઈને

સાંજની વેળા વળી છે એટલે
હું પવન થઇ જાઉં છું ફૂંકાઈને

લાગણીનો છોડ છું બસ એટલે,
રોજ વધતી જાઉ છું ટોકાઈને

ભીતરે ટપકી રહ્યું લોહી જુઓ,
દર્દ પણ કયા થાય છે ભોંકાઈને

છોડ ને આ જિંદગીની ગડમથલ,
લે ખરીદી લઉ તને, વેચાઈને

...વર્ષા પ્રજાપતિ

રંગોનો તહેવાર છે ગોરી, ગુસ્સો નાંખો ઢોળી,
આવ જરા તું ઓરી,આપણ રમીએ હોળી હોળી

લાલ,ગુલાબી,પીળો,વાદળી,લીલો,કેસરી,કાળો
મારીને પિચકારી વાલમ,કરે કાંકરીચાળો
આવ તું અોરો તને બતાવું નાંખુ મુજમા ઘોળી
આપણ રમીએ હોળી હોળી....

નેણ તમારા રાધાજી,હું કાનો કામણગારો,
પ્રેમરંગથી ગોકુળની આ ગલી ગલી શણગારો
રંગ પરે રંગ ચડવા દો આ લાગણીઓ છે ભોળી
આપણ રમીએ હોળી હોળી

દોડો પકડો ભાગો...પેલું ધસી આવતું ટોળું,
એકે કોરું જાય નહીં લ્યા, ખેંચો તો.. રગદોળુ
એકબીજાના ભીતરમાં પૂરી દઇએ રંગોળી...
આપણ રમીએ હોળી હોળી...

....વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment