Sunday, 19 March 2017

ગઝલ

કંઈ કેટલી પીડાઓ, કંઈ કેટલી વ્યથાઓ!
કંઈ કેટલાં ય આંસુ, કંઈ કેટલા સવાલો!

અઘરો છે દાખલો આ, જીવન છે નામ જેનું;
કંઈ કેટલી યે ભૂલો, કંઈ કેટલું સુધારો?!

આગળ વધું કે અટકું? પાછો ફરું કે પહોંચુ?
કંઈ કેટલા છે રસ્તા, કંઈ કેટલા પડાવો!

ધસમસતા વહી જવાનું, ઊભા ય રહી જવાનું!
કંઈ કેટલી દિશાઓ, કંઈ કેટલા પ્રવાહો!

મનમાં ભરી અદાલત, આરોપ છે હૃદય પર;
કંઈ કેટલી દલીલો, કંઈ કેટલા બચાવો!

આવી ચૂકી અચાનક છૂટી જવાની વેળા!
કંઈ કેટલા પથારા, કંઈ કેટલો ઉધામો!

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment