આપણે કવિઓ
એક વહેતી નદી.
કવિતા આપણું નીર,
નિર્મળતા આપણું ખમીર.
ક્યારેક સુકાઈ જઈએ;
તો વળી ક્યારેક પૂરપાટ વહીએ...
કેટલાંય બેડાં છલકતાં જાય
તો કેટલાંય ખાલી ખખડતાં જાય,
કોઈ નીર ભરી જાય,
તો કોઈ મેલ ઠાલવી જાય..
કોઈ બાંધીને ખેતરે સીંચે;
તો કોઈ ઊર્જા બનાવી ખેંચે.
કંઈ માછલીઓ ક્રિડા કરે;
તો કંઈ શિકાર થાય.
પણ
આપણે શું ?
નિસ્પૃહિતા આપણી ધરોહર
આપણે તો બસ વહેવાનું
કલકલવાનું
આપણે કવિઓ
એક વહેતી નદી.
કવિતા આપણું નીર,
નિર્મળતા આપણું ખમીર.
- મુકેશ દવે
અજન્મા કવિતાની પીડા- ગીત
............................
કાં મને ના રોજ કવિતા પ્રસવે ?
અંદર અંદર કવિતા જેવું
જીણુંજીણું ફરકે,
ઊન્ડેઊન્ડે એવું સ્પંદન
ભીનુંભીનું અડકે,
વણકથી પીડા વેણુની;
મને રુંવેરુંવે પજવે,
તોય મને ના રોજ કવિતા પ્રસવે.
કાં તો મારૂ મન છે બંજર;
એકેય ફણગો ન ફૂટે,
છો વાંઝણનાર સમી આંગળને;
લોહીની ટશરો છૂટે,
કલ્પન મારાં ખાલી ખોખાં;
મારા કવિપણાને લજવે,
એમ મને ના રોજ કવિતા પ્રસવે.
- મુકેશ દવે
No comments:
Post a Comment