Sunday, 9 April 2017

ગઝલ

જ્યાં જોતી હોઉં રસ્તો, પાછળથી તું વળગે તો કેવું!
મારા રુદિયાના તોફાનો, તુજ ઉરમાં ઉછળે તો કેવું!

હું મારામાં છલકાઈ જાઉં, સ્પંદન કોઈ માણીને,
તારા તનના રુંવાટા મારા માટે ઉકળે તો કેવું!

આ આંખોએ ઉછેર્યા છે ભીના સમણાંઓના મૃગજળ,
ને ઓચિંતા ફૂલો પર ઝાંકળ થઈને ઉછરે તો કેવું!

અઢળક ઈચ્છાઓ ફૂંદા જેવી પાંખો કાપીને બેઠી,
રોજે ખરતી મુજ પાંપણ તારી આંખે ઉતરે તો કેવું!

કોરા છોડ્યા સ્મરણોની,આંગણમાં રંગોળી દોરી છે,
આજે તારા હાથે ઘરના ઉમરે "શગ" સળગે તો કેવું!

-શીતલ ગઢવી"શગ"(સ્પર્ધાની રચના)

No comments:

Post a Comment