Tuesday, 18 April 2017

અછાંદસ

કામરૂપદેશ

દૂર ઊભેલી, ઇશારા કરતી
નવયૌવના નિલગીરીની સુગંધ પર
મોહીત થઇ સંમોહનવિદ્યા શીખતો
લવરમૂછિયો આંબો કેરીનાં ઊભારથી
નમી પડ્યો છે પોતાનાં જ પગમાં.
નખશિખ મારણમંત્રો ઉચ્ચારતો રઘવાયો કેવડો
કેવડિયાનો કાંટો રે...
વન નથી, સમથળ શ્હેર છે..
એ શ્હેરની વચ્ચોવચ
લાલચોળ કપડાં પહેરી
રાહ જોઇ રહ્યો છે ગુલ્મોર
કોની? તો કે-
કોયલરાણી આજે આવું કાલે આવું
કરે છે પણ હજીય નથી આવી
ક્યારેય નથી આવવાની-ની
પ્રતીક્ષામાં રત ગુલ્મોર,આંબો ને કેવડો.
બોરસલ્લી પર સૂરજ ઝળુંબે છે
એને જોઇ જોઇને
સામેની વૃધ્ધ ખડકી જીવી રહી છે,
જીવ્યે જાય છે અનવરત
પોતાની અનુભવગાથા કહેતાં
એની જીભ જુવાન થતી જાય છે
ને પોતે વધુને વધુ વૃધ્ધ
જમણાં અંગનું શુકન લઇને
ઊડી ગયેલાં પારવડાંની
રાહ જુએ છે પેલાં મારણમંત્રો..
પંખીને ઊડવું છે પણ નભમાં મારણમંત્રો અને
છાતીમાં વશીકરણ વિદ્યાએ
પોતપોતાનાં તંબુ નાખ્યા..
એની વચ્ચે ચાલતાં યુદ્ધનો અંત નથી
માત્ર પ્રતીક્ષા અને પ્રતીક્ષા.

                      -અનિલ વાળા

No comments:

Post a Comment