Monday, 17 April 2017

અછાંદસ

છૂંદો: અછાંદસ

નહિ વધુ મોટી
કે 
નહિ બહુ નાની
પ્રમાણસર કાણાંવાળી હૃદયની છીણી લીધી.
મોટીમસ ઈચ્છાઓથી ભરપૂર
એક એક રાજપુરી લીધી.
વજન કરાવ્યું સમયના ત્રાજવે
બરાબર પાંચ કિલો અને માથે 
અઢીશો ગ્રામ..
ગંગા જળના પાણીમાં 
એ દરેકને વારંવાર ધોઈ.. 
વિચાર્યું.. 
આ વખતે ઈચ્છાઓનો 
છૂંદો દરેક વર્ષની માફક ફુગાઈ ન જાય.
તેનું હું ખાસ ધ્યાન રાખીશ.
નક્કી આ ફેર બે તડકા વધુ દઈશ.

ભાવમાં સૌથી મોંઘી
ઉચ્ચ કક્ષાની
ઈચ્છાની કેરીઓની સરખામણીએ 
જરાય નીચી 
ન ઉતરે એવી 
અણિશુદ્ધ લાગણીઓની મોરસ 
ધ્યાન રાખીને લીધી.

ઈચ્છા અને લાગણીને એકરસ
કરીને
એની ઉપર ઝીણા મલમલના
સપનામાંથી 
એક કોર ફાડી
ફરતે આશાઓની ફિટ દોરી બાંધી.

સૂરજને સ્હેજ કાનમાં કહ્યું..

"મારો આ છૂંદો વધુ પડતો સુકવીશ 
તો હું પણ 
સુકાઈ જઈશ.. આ વખતે તો મારી 
લાજ રાખી લે જે.."
-શીતલ ગઢવી

No comments:

Post a Comment