Wednesday, 5 April 2017

ગઝલ

*પલ | હૃદયનો સીધો અનુવાદ*

માણસ છે કે મગનો ઢગલો ?
થાક્યા પાક્યા પગનો ઢગલો.

લોકો મારી ભૂલો શોધે-
મારે દુખતી રગનો ઢગલો.

ખુદને મળવું દુષ્કર છે ત્યાં-
શું કરવો છે વગનો ઢગલો ?

ડગલું ક્યાં નિશ્ચિંત ભરે છે ?
માણસ છે લગભગનો ઢગલો.

તડકાને ક્યાં પડછાયો છે ?
જીવન છે તગતગનો ઢગલો.

દીવડાનો વૈભવ દર્શાવે,
રાખ વળેલી શગનો ઢગલો.

અજવાળાને હંફાવે છે,
ઝીણેરી ઝગમગનો ઢગલો.

*આલાપ*
#CM_Sarkaar

No comments:

Post a Comment