*છંદ : તોટક*
*(પ્રભાત વર્ણન)*
વિહગો ઉડતાં ભમતાં ફરતાં,
લપતાં લડતાં રમતાં પડતાં,
રવિનાં કિરણો લપટી બદને,
કિલકાર કરે વિહરી પવને,
વિહગો ઉડતાં ભમતાં ફરતાં,
લપતાં લડતાં રમતાં પડતાં...
મધુરા મધુરા દિસતાં વિહગા,
સરખાં સરખાં કરતાં લટકા,
પવને લહરે ફુલની ખુશબો,
ભમરાં કરતાં રસપાન તહીં,
વિહગો ઉડતાં ભમતાં ફરતાં,
લપતાં લડતાં રમતાં પડતાં...
પશુ જાય ચરે ખડને વનમાં,
પગલી પગલી પછવાડ કરી,
સહ ગ્વાલ ચલે પગલે પગલે,
રખ કાંધ પરે નિજ ડાંગ ધરી,
વિહગો ઉડતાં ભમતાં ફરતાં,
લપતાં લડતાં રમતાં પડતાં...
નયનો ખુલતાં લગતી મધુરી,
શિવની રચના રુબરૂ નચતી,
તજને મનવા તુજ આળસને,
કર સ્વાગત તું નવચેતનનું,
વિહગો ઉડતાં ભમતાં ફરતાં,
લપતાં લડતાં રમતાં પડતાં...
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Tuesday, 25 April 2017
છંદ
Labels:
ભાવીન દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment