જાતને એકાંતમાં ચલ હચમચાવી જોઈએ
લાગણીના દ્વારને ચલ ખટખટાવી જોઈએ
કોણ મધરાતે અહીં ટાંગી ગયું છે યાદને,
સાંભળી ભણકાર ભીનો સાદ વાવી જોઈએ
આંખમાં ભીનાશના પગલા પડ્યા છે એટલે,
આગ છે કે છે બરફ, હૈયે લગાવી જોઈએ
રેત થઇ ગઇ, જ્યા હતો ઢોળાવ લીલાં વ્હેણનો,
સાવ ખાલી હાથમાં દરિયો સમાવી જોઈએ
એમ સરનામું નથી જડતું કદી વરસાદનું,
વૃક્ષની પીડા મહીં ખુદને તપાવી જોઈએ
સળ હજી અકબંધ છે, એથી જ તો સંબંધ છે,
જાતને ઘૂંટી ગઝલમાં ગટગટાવી જોઈએ
.....વર્ષા પ્રજાપતિ ઝરમર
No comments:
Post a Comment