કંકુ છાટી કંકોતરી મોકલી
એમાં લખિયું લાડકડીનું નામ રે
માણેકથંભ રોપિયો
કેસર છાટી કંકોતરી મોકલી
એમાં લખિયું લાડકડાનું નામ રે
માણેકથંભ રોપિયો
પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી
કાકા હોંશે ભત્રિજી પરણાવો રે
માણેકથંભ રોપિયો
બીજી કંકોતરી મામા ઘેર મોકલી
મામા હોંશે મોસાળુ લઈ આવો રે
માણેકથંભ રોપિયો
કંકુ છાટી કંકોતરી મોકલી
કેસર છાટી કંકોતરી મોકલી
કંકુ છાટી કંકોતરી મોકલી
કોયલ બેઠી આંબલિયાની ડાળ
મોરલિયો બેઠો રે ગઢને કાંગરે
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોયલ માંગે કડલાંની જોડ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલ માંગે ચૂડલાની જોડ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલ માંગે ઝૂમખાની જોડ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલ માંગે નથડીની જોડ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલ માંગે હારલાની જોડ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
પહેલું પહેલું મંગળિયું વરતાય રે,
પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે,
અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,
સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે.
બીજું બીજું મંગળિયું વરતાય રે,
બીજે મંગળ રૂપાંનાં દાન દેવાય રે,
માંડવડામાં મંગળગીતો ગવાય રે,
શુભદિન આજે શુકનનો કહેવાય રે.
અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે
સૌને હૈયે આનંદ અતિ ઊભરાય રે
ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે,
ત્રીજે મંગળ સોનાંનાં દાન દેવાય રે,
ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસરાય રે,
બન્ને પક્ષે આનંદ અતિ ઉભરાય રે.
ચોથું ચોથું મંગળિયું વરતાય રે,
ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે,
અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,
માંડવડામાં મંગળગીતો ગવાય રે…
મારા નખના પરવાળા જેવી ચૂંદડી
મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી
ઓઢોને સાહેબજાદી ચૂંદડી
હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી
મારા દાદાજી દેખે માતાજી દેખે
કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી
તમારા દાદાના તેડ્યાં અમે આવશું
તમારી માતાના મન મોહશે હો લાડલી
ઓઢોને લાડકવાયી ચૂંદડી
હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી
મારા વીરોજી દેખે ભાભી દેખે
કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી
તમારા વીરાના તેડ્યાં અમે આવશું
તમારી ભાભીના ગુણલાં ગાશું હો લાડલી
ઓઢોને સાહેબજાદી ચૂંદડી
સંકલન: દિપક
No comments:
Post a Comment