Wednesday, 24 May 2017

ગઝલ

*== કાગળનું ગીત ==*
ભાળે તો તું ભાળ કાગળનું મન કોરું છે.
હોય નજર તો બ્રહ્મ, નહીંતર  શકોરું છે.

જવાબ એમાં આપેલો છે, પ્રશ્ન તારે શોધવાનો,
ચારે બાજુ મીંડે મીંડા, ને એકડો આલેખવાનો.
કાં માની લે કે તું અગમ હાથનું મ્હોરું છે,
ભાળે તો તું ભાળ કાગળનું મન કોરું છે.

હાથ હલેસું, હૈયું નૈયા ડૂબતા જાવાનું છે,
તટ વગરનું અગમ સરોવર તરતા જાવાનું છે.
શૂન્યતા ચીરાય તો દેખ આખું બાકોરું છે,
ભાળે તો તું ભાળ કાગળનું મન કોરું છે.

શબ્દ ક્યાંક થોર ને ક્યાંક આંબલિયે મ્હોર ધરે,
આંખે જેવા ચશ્મા એવો કાગળિયું રંગ ધરે.
અહી બાંધેલું અરથનું ઘર આઘું એટલું ઓરું છે,
ભાળે તો તું ભાળ કાગળનું મન કોરું છે.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment