પ્હેલા જેવું ક્યાં સંસાર, બહું સૂનું સૂનું લાગે છે,
જીવન પર શાનો છે ભાર, બહું સૂનું સૂનું લગે છે.
દાદાનું એ કાચું ઘર, એ લીંપેલું ચોખ્ખુ આગણ ને,
યાદ હજી દાદીનો પ્યાર, બહું સૂનું સૂનું લાગે છે.
થોડો ઝગડો, થોડી માફી, થોડું રોવું, થોડું હસવું,
સચવાતા આમ જ વ્હેવાર, બહું સૂનું સૂનું લાગે છે.
મનમેળ હતા ચુંબક જેવા, બોલા ચાલી થાય કદી પણ,
રાખે ના મનમાં કૉ ખાર, બહું સૂનું સૂનું લાગે છે.
દિલ આજે પણ રોવે છે બાપની હાલત જોઈને ત્યાં,
સપના તોય કર્યા સાકાર, બહું સૂનું સૂનું લાગે છે.
આજે બંગલા ગાડી રાચરચીલું છે તો પણ "જયલા"
જાણે બેઠા છે મઝધાર, બહું સૂનું સૂનું લાગે છે.
અમસ્તો અમસ્તો દિલ રોવે છે, આસુ વિના આખો રોવે છે,
પ્હેલા જેવું ક્યાં સંસાર, બહું સૂનું સૂનું લાગે છે.
@@@ જયલા
No comments:
Post a Comment