*નડે છે ...!!!*
તબક્કે-તબક્કે તફાવત નડે છે , , ,
મને , માત્ર મારી શરાફત નડે છે . . . !
નથી જઈ શકાતું ઉપરવટ , સ્વયંથી , , ,
અને આખરે , એ જ બાબત નડે છે . . . !
બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં , , ,
ઘણીવાર , ખુદની ય દાનત નડે છે . . . !
ઉલેચાય ઈતિહાસ , તો ખ્યાલ આવે , , ,
કે સરવાળે , એકાદ અંગત નડે છે . . . !
નડે છે મને સ્વપ્ન મારાં અધૂરાં , , ,
અને સ્વપ્નને , આ હકીકત નડે છે . . . !
કરી ’લ્યો હજુ સત્ય સ્વીકૃત , સહજ થઈ , , ,
અને કાં કહી દ્યો કે , નિયત નડે છે . . . !
ખબર છે કે , સોનું તપે એમ નિખરે , , ,
છતાં પણ , કશુંક વારસાગત નડે છે . . . !!!
*-ડૉ. મહેશ રાવલ*
No comments:
Post a Comment