Tuesday, 30 May 2017

ગઝલ

ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?

આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું?

માફ કરો, અંગુઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું?

વાંકુંસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું?

પરસેવા ની સોડમ લઇ ને પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું?

લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કે’ છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું?

આજે અમને દાદ ન આપો કાઈ નહિ,
આજે અમને સાંખી લેજો બીજું શું?

~ ખલિલ ધનતેજવી

No comments:

Post a Comment