ઘઉંના દાણા જેવો ઈશ્વર
માણસની આંખે જોયો છે કેવળ પાણા જેવો ઈશ્વર
પંખીની આંખે તો જોયો ઘઉંના દાણા જેવો ઈશ્વર
એની ગૂંચો આજ નહીં તો કાલ ઊકલશે, એવી આશે
મારી સો પેઢીએ સેવ્યો , એક ઉખાણા જેવો ઈશ્વર
તમને છૂટ છે તમને જે સમજાય, તમારે એમ સમજવું
સામે બેસો ત્યારે લાગે ખાલી ભાણા જેવો ઈશ્વર
તૂટશે તો સંધાશે ના એ, વેદ - પુરાણો - ઉપનિષદથી
બે જણ વચ્ચે ગૂંથાયેલો , તાણાવાણા જેવો ઈશ્વર
બીજા કોઈ રૂપની સામે , મસ્તક ઝૂકે ના સ્નેહીનું
લાવો મારા જેવો અથવા મારાં ગાણા જેવો ઈશ્વર
✍✍ સ્નેહી પરમાર
( " યદા તદા ગઝલ " માંથી સાભાર )
No comments:
Post a Comment