ગુજરાત દિનને અર્પણ... મીનાક્ષી ચંદારાણા
હાથ છું જમણો હૂં ભારતમાતનો,
ભાઈ છું, બંધુ છું પ્રાંતેપ્રાંતનો.
સત્યના આગ્રહ સરીખું લૂણ છું,
ચક્રધર છું હું અનોખી ભાતનો.
હું ન મુસ્લિમ, હિંદુ, ખ્રિસ્તી, પારસી,
નાગરિક નરસિંહ કેરી નાતનો.
દૃઢ્ઢ ઉત્તર છું અકળ આતંકનો,
સ્વસ્થ ઝીલણહાર છું આઘાતનો.
કર્મ, ભક્તિ, જ્ઞાન કેરો યોગ છું,
નહીં જડે જોટોય મારી ખાંતનો.
યોજના પરિયોજનાનો પ્રાણ છું,
દાખલો સાચ્ચો ચીવટ ને ચાતનો.
હું સદી એકવીસમીની હામ છું,
હું જ પથતારક વીતેલી રાતનો.
નર્મદા છે રક્ત મારા દેહનું,
સ્કંધ છે ગિરનાર મુજ ગુજરાતનો.
હોંશથી મા ભારતી વંદું તને,
હું બનું નીલકંઠ સાગર સાતનો.
No comments:
Post a Comment