*>>>| તરુણીનું ગીત |<<<*
સોળ વરસની છોકરીને અંબોડાનો શોખ,
ઝીણું ઝીણું મનમાં થાયે ગજરો નાખે કોક.
રોજ સવારે દર્પણ સાથે મોઘમ વાતો થાય,
આગળ પાછળ જોતી પોતે અચરજથી શરમાય,
કોણી મારી સખીઓ સાથે કરતી નોકઝોક.
સોળ વરસની છોકરીને અંબોડાનો શોખ.
કલકલ કલકલ ઝરણું જાણે ધીર નદી થઈ જાય,
તરવૈયાની હોડ મચી પણ રાતાં જળ વહી જાય,
જાણે કયારે આવે દરિયાને મળવાનો સંજોગ.
સોળ વરસની છોકરીને અંબોડાનો શોખ.
બદલાતી મોસમની ભીની ભીતર અસર વરતાય,
આંખો ચમકે, હૈયું થરકે, અંગઅંગ લહેરાય,
ભીતર ભીતર બીંજાતી પણ સમજી શકે ના લોક.
સોળ વરસની છોકરીને અંબોડાનો શોખ.
== મંથન ડીસાકર (સુરત)
*(અભિનવ સાહિત્ય સભા)*
No comments:
Post a Comment