Wednesday, 24 May 2017

ગઝલ

પીતા પીધી મદિરા પણ હજુ છે બેખબર સાકી,
કહું કેવી રીતે મયની મને થઇ શું અસર સાકી ?

કે મયખાના તરફ મારા કદમ હરદમ વળે પાછા,
મદિરા  એટલી બહેકી ભૂલી ગયો મારું ઘર, સાકી.

અમસ્તી લત નથી પાડી, પીવા પાછળ હતું કારણ,
કદીપણ મય ગળે ઉતરી નથી તારા વગર, સાકી.

છીએ મદહોશ ને એથી ખબર પડશે નહિ અમને,
તું કિંતુ જામ પાવામાં ન કરજે કરકસર, સાકી.

મને મદહોશી પણ કોઠે પડી ગઈ એટલી, સાકી,
નથી બિલકુલ ફિકર આમજ ભલે વીતે ઉમર, સાકી.

મને આદત પડી ગઈ છે, શરાબી સૌ કહે, માને,
પરંતુ છે અહી કોને જમાનાની  ફિકર, સાકી ?

પીધી ના હોત જો મદિરા ગઝલ તારી લખાતી ના,
ખરેખર હોંશમાં આવ્યો થઈને તરબતર, સાકી.

કે મયખાને પીવા માટે ઘણો બદનામ છે “મંથન”,
ને તારું નામ જોડે તો તું કરજે દરગુજર, સાકી.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment