Wednesday, 7 June 2017

ગઝલ

છે ગરીબી એ  મને સમજાય છે
ઝૂંપડીમાં ખાલી ઘટ અથડાય છે

પેટ પૂરું  મળતું ના હો તોય શું
ભાગ સૌને આપીને એ ખાય છે

પેટમાંથી પેટ કાપી જે ધરે
ખાનદાની એમની વખણાય છે

પેટ ભરવા કાળી મે'નત છો કરે
કોળિયામાં ખાનદાની ખાય છે

રોટલી તો ક્યાંથી એના ભાગ્યમાં
લૂખું સૂકું ભેળવી હરખાય છે

હાથની રેખા મહીં છે આંતરી
ને ગરીબી ત્યાં જ તો અટવાય છે

છે 'સરલ'ના અંતરે ભાવો ખરા
સૌને સૌનું આપીને જશ ગાય છે

સરલા સુતરિયા - 'સરલ'

No comments:

Post a Comment