Friday, 16 June 2017

ગીત

થોડું ભીંજાવું
થોડું કોરું'ય રહેવું,
થોડું આઘે ને
થોડું ઓરું પણ રહેવું,
લથબથતા પ્રેમની ઋતુમાં વ્હાલાજી,
થોડું સાથેને
થોડું નોખું'ય રહેવું.

રાત અને દિ' ઓલો મેહુલો વરસશે,
ધરતીનો કણ કણ પેલા ચાતક સમ તરસશે,
છમછમછમ છમછમછમ
બુંદ બુંદ છલકશે,
સનસનસન સનસનસન વાયરો સરકશે. 
થોડું તો થોડું ઓલા મોરલાને કહેજો,
ટેંહુ ટેંહુ કરતો વન-વનમાં ટહુકશે.
સંતાવું,દેખાવું,આંખમાં લપાઇ જાવું,
થોડું હળવુંને થોડું ભળતું પણ જાવું.

ધરતીની સોડમથી મઘમઘતુ, મન મારું,
ધગધગતા ધબકારે ચંપાતું તન મારું,
વ્હાલપની ટાઢક તું કરજે ઓ વ્હાલાજી,
ઓગળતા તનમનથી  હૈયું ધરબાય મારું.
થોડું અડવું  ને થોડું અળગું પણ રહેવું,
થોડું મલકીને
થોડું વળગી પણ રહેવું.

ડૉ.અયના ત્રિવેદી
અયુ
10/6/17

No comments:

Post a Comment